વડોદરા :
MS યુનિ.માં બબાલ, સેનેટના સભ્યે કહ્યું ‘સત્તાધીશોને મુજરા કરવાનો શોખ હોય તો પોતાના પર્સનલ ફંક્શનમાં બોલાવે ને..’
- આમંત્રણ છત્તા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગેરહાજર
- CM અને ગૃહમંત્રી તો ઠીક પણ ધારાસભ્ય પણ ન આવ્યા
વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના યજમાન પદે G-20 અંતર્ગત યોજાયેલી યૂથ-20ની શિખર બેઠકમાં મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી તેમજ મોટાભાગના ધારાસભ્યો હાજર ન રહેતા સેનેટ મેમ્બરે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું કે, આ યુનિવર્સિટીનું અપમાન છે. સત્તાધીશોને મુજરા કરવાનો શોખ હોય તો પોતાના વ્યક્તિગત ફંક્શનમાં બોલાવે.
કેયૂર રોકડિયા સિવાય એકપણ ધારાસભ્ય ન આવ્યા
એમ.એસ.યુનિવર્સિટીના સેનેટ મેમ્બર કપિલ જોશીએ જણાવ્યું હતું કે, G-20 અંતર્ગત કાર્યક્રમ આવકાર્ય છે. પરંતુ અમારો વિરોધ એક જ છે કે બે દિવસ પહેલાં રાત્રે ઇન્વિટેશન મળે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ઋષિકેશ પટેલ તેમજ વડોદરા શહેર અને જિલ્લાના ધારસભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ ધારાસભ્ય કેયૂર રોકડિયા સિવાય મુખ્યમંત્રી, કોઇ મંત્રીઓ કે અન્ય ધારાસભ્યો પણ હાજર રહ્યા નથી. આ યુનિવર્સિટીનું અપમાન છે. વાઇસ ચાન્સેલર કહે છે કે બજેટ સત્રના કારણે મુખ્યમંત્રી અને અન્ય ધારાસભ્યો નથી આવી શક્યા. તો શું વાઇસ ચાન્સેલરને આ વિશે ખબર નહોતી? જો ગેસ્ટ આવવાના જ નથી હોતા તો શા માટે આવા તાયફાઓ કરો છો? આ તો વિદ્યાર્થીઓ અને સેનેટ મેમ્બરોનું અપમાન છે.
કોના બાપની દિવાળી?: સેનેટ સભ્ય
કપિલ જોશીએ કહ્યું કે, જો આમંત્રિત ગેસ્ટ આવવાના જ નથી તો આ લાખો રૂપિયોના ખર્ચ શા માટે? કોના બાપની દિવાળી? આ તાગડધિન્ના શા માટે? આ તાયફા શા માટે? જો આ સત્તાધીશોને મુજરા કરવાનો શોખ હોય તો પોતાના વ્યક્તિગત ફંક્શનમાં બોલાવે. પરંતુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના રૂપિયા આવી રીતે ન ખર્ચાવા જોઇએ.
જીહજૂરી કરનારા સીટ પર બેસી ગયા
કપિલ જોશીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવાનો કાર્યક્રમ હતો ત્યારે પણ શિક્ષમંત્રી નહોતા આવ્યા. યુનિવર્સિટીના સત્તાધીશો વિઝન વિનાના અને જીહજૂરી કરનારા અહીં બેસી ગયા છે. યુનિવર્સિટીના સત્તાધીશો સુધરે તો સારું નહીં તો તેનું તંત્ર ખાડે જશે.