News Inside/ Bureau: 24 January 2023
મીટીરીયોલોજીકલ સેન્ટર અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાત તથા દીવ-દમણ, દાદરાનગર હવેલી માટે આજથી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, મામલતદારો તથા જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીને સાવચેતીના પગલાં લેવા અને અસરકર્તાઓને જરૂરી જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.ઠંડા પવનો ફૂંકાવાની આગાહી પણ છે. આગામી 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટાડો નોંધાઈ શકે છે. સાથોસાથ ત્યારબાદના ચાર દિવસો દરમિયાન પણ તાપમાન નીચું રહેવા તથા ઠંડા પવનો ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શીતલહેરની સંભાવનાઓને પગલે લોકોએ કેટલીક તકેદારી રાખવાની અપીલ કરી છે. સાથોસાથ માર્ગદર્શિકા જાહેર કરી છે.
કોલ્ડવેવ બાબતે શું ધ્યાન રાખશો!
આગામી થોડા દિવસો દરમિયાન શીતલહેરની સંભાવનાને પગલે લોકો હવામાન વિભાગની આગાહી માટે રેડિયો, ટીવી અને અખબારો જેવા માધ્યમમાં પ્રસારિત સત્તાવાર સૂચનાને અનુસરવા જેવી છે. શિયાળામાં ગરમ કપડાનો પૂરતો જથ્થો રાખવો.ખોરાક, પાણી, ઇંધણ, બેટરી, ચાર્જર, ઇમરજન્સી લાઈટ અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો રાખવો. દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવાની ખાતરી રાખવી, જેથી ઠંડા પવન ઘરમાં ન આવે.કોલ્ડવેવમાં વહેતું અથવા ભરેલું નાક અથવા નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે. જે સામાન્ય લાંબા સમય સુધી શરદી રહેવાને કારણે થાય છે. આવાં લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્યકર્મી અથવા ડોક્ટરની સલાહ લેવી.