Surat , Gujarat :
સુરત: રાજ્યમાં અવારનવાર હનીટ્રેપના કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં હનીટ્રેપમાં યુવાનને ફસાવીને લાખો રૂપિયા પડાવીને ફરાર થયેલા આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે.
ફેસબુક ઉપર ફ્રેન્ડ બની મિત્રતા કેળવી હતી
સુરત ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવેલા આરોપી ખાલીદ કલીમ ખટીક, શાહરૂખ ઉર્ફે બોબો રફીકભાઇ મુલતાની સહિત અન્ય આરોપીઓએ એક મહિલા સાથે મળીને એક વ્યક્તિ પાસેથી 20 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. આ મામલે બારડોલી પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો, ત્યારે આ હનીટ્રેપના કેસમાં નાસતા ફરતા બે આરોપીઓને બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યા છે. આ પકડાયેલ ખાલીદ કલીમ ખટીક તથા શાહરૂખ ઉર્ફ બોબો રફીકભાઇ મુલતાની સહ આરોપી મહિલા હેતલ પટેલ તથા ગૌરવ પારીખ, રાહુલ ઉર્ફે કેટી-એમ, આશુતોષ દવે તથા સુદામ આહીરએ ભેગા મળીને કાવતરાના ભાગરૂપે હેતલ પટેલે ફરિયાદી સાથે ફેસબુક ઉપર ફ્રેન્ડ બની ફરિયાદીને વિશ્વાસમાં લઇ મિત્રતા કેળવી હતી.
પતાવટ માટે રૂ. 25 લાખની માગણી કરી હતી
તેણે ફરિયાદીને બારડોલી મુકામે બોલાવી તેની કારમાં બેસી હાઇવે તરફના બાયપાસ રોડ ઉપર લઈ ગઇ હતી. જ્યાં થોડીવારમાં બાકીના ચાર આરોપીઓ ત્યાં આગળ ગયા હતા. તે પૈકીના એક આરોપીએ ફરિયાદીને પોતે હેતલ પટેલનો પતિ હોવાનું જણાવી તમાચો મારી દીધો હતો. ફરીયાદીને તેની જ કારમાં બેસાડી તેને ઘડા પાટીયા પાસે લઇ ગયા હતા. જ્યાં આગળ બીજા ત્રણ આરોપી એક ફોર વ્હીલ ગાડીમાં આવ્યા હતા અને ફરિયાદીને પોલીસ તરીકે ઓળખ આપી પોલીસ કેસ કરવો ન હોય અને પતાવટ કરવી હોય તો રૂ. 25 લાખ આપવા પડશે, તેમ જણાવી રકઝકના અંતે ફરિયાદી પાસેથી રૂ 20 લાખ બળજબરીપૂર્વક કઢવી લઇને ગુનો આચર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.