News Inside Gujarati News:
બે મર્ડર થતા પોલીસ પ્રશાસન દોડતું થયું છે. હત્યાના બે બનાવથી રાજકોટ રક્તરંજીત થયું છે. માત્ર ચાર કલાકના સમયગાળામાં હત્યાના બે બનાવથી ખળભળાટ મચી ગયો છે. બપોરે ગંજીવાડા વિસ્તારમાં મુસ્લિમ યુવાન સલીમ ઓડિયાની હત્યા થયા પછી, સાંજના સમયે મોચીબજાર પાસે સાજીદ અંતરિયા નામના મુસ્લિમ આધેડનું લાકડીઓના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો.
પ્રથમ બનાવમાં ગંજીવાડા મહાકાળી ચોકનો રહેવાસી સલીમ ઓડિયા નામના યુવકની હત્યા થતા થોરાળા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અવેશ પિંજારા નામના યુવકની માતાને મૃતક પ્રૌઢ સલીમ ભગાડી ગયા હતો. જે વાતનો ખાર રાખી અવેશે તેમના કાકા અને મિત્રની મદદથી છરીના ઘા ઝીંકી સલીમ પર હથિયાર લઈ તુંટી પડતા સલીમે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
મોચીબજાર વિસ્તારમાં પ્રથમ બોલાચાલી થયા પછી ત્રણથી વધુ શખ્સો આધેડ વયના સાજીદભાઈ અંતરિયા(ઉ.વ.50, રહે. બજરંગવાડી) ઉપર લાકડી વડે તૂટી પડ્યા હતા. આડેધડ લાકડીઓ ઝીંકતા સાજીદભાઈ ઢળી પડ્યા હતા. દરમિયાન છોડાવવા માટે વચ્ચે પડેલા આધેડના ભત્રીજાને પણ ઇજાઓ થઈ હતી. બન્નેને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં સાજીદભાઈને મૃત જાહેર કરાયા છે. હાલ ચાંપતો પોલોસ બંદોબસ્ત રખાયો છે. સુત્રોએ જણવ્યા મુજબ ત્રણથી વધુ આરોપી હતા જેમાં કેટલાક કુખ્યાત શખ્સો પણ શામેલ હતા. હાલ પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથધરી છે.